🙏શીર્ષક: સંક્ષિપ્ત રામાયણ કાવ્યસુધા✍️
રામ શિકારે પાછળ જાય, મૃગલો પાડે મોટી બૂમ,
લક્ષ્મણ મારી કરજો વાર, સીતા મચાવે હાહાકાર.
કરે સીતાજી શબ્દ પ્રહાર, લક્ષ્મણરેખા થઈ તૈયાર,
લક્ષ્મણ રામની વ્હારે જાય, રાવણ સીતાને હરી જાય.
ભક્ત જટાયુ વ્હારે જાય, રાવણ હાથે પાંખ કપાય,
મુક્તિ આપે શ્રી રઘુરાય, પછી મળ્યો સુગ્રીવનો સાથ.
વાલી ભૂપનો કરી વિનાશ, પ્રભુ પધાર્યા શબરી પાસ,
શબરી કેરાં બોર જ ખાય, ઋષિમુનિઓનો ગર્વ ટળાય.
સીતાહરણની જાણી વાત, બીડું ઝડપે શ્રી હનુમાન,
પવનવેગે લંકા જાય, વિભીષણનો ભેટો થાય.
અશોકવનમાં આવી જાય, સીતામાતાને લાગ્યા પાય,
લંકા બાળી લાવ્યા ભાળ, બાંધ્યો સેતુ સાગર પાર.
રામ-રાવણ યુદ્ધ ખેલાય, જબરો જામ્યો છે સંગ્રામ,
રાવણ પાડે મોટી ચીસ, કુંભકર્ણનું છેદ્યું શીશ.
મેઘનાદ સંગે યુદ્ધ થાય, લક્ષ્મણને ત્યાં મૂર્છા થાય,
બજરંગ બૂટી લેવા જાય, લક્ષ્મણ તરત સજીવન થાય.
રાજા રાવણનું છેદ્યું શીશ, વિજયનાદ ત્યાં જબરો થાય,
ધોબીએ દેખાડ્યો દાગ, રામે સીતાનો કીધો ત્યાગ.
વાલ્મીકિ ઋષિના આશ્રમમાં, લવ-કુશ જન્મ્યાનો આનંદ થાય,
અશ્વમેધનો યજ્ઞ યોજાય, ઘોડો બાંધ્યો તરુવર સાથ.
લવ-કુશ સામે સંગ્રામ થાય, પરાજય પામ્યા રાય તમામ,
રામ અયોધ્યાથી આવી જાય, પુત્રો સાથે સંગ્રામ થાય.
સીતા માતા જાણી વાત, વચમાં આવી ઊભાં માત,
ઓળખ સામસામે થાય, પિતા-પુત્રો ભેટી જાય.
સીતા પૃથ્વીમાં સમાય, પ્રભુલીલા અહીં પૂરી થાય,
રામભક્ત જે ગાશે પાઠ, પ્રભુ ઝાલશે તેનો હાથ.
બોલો સિયાવર રામચંદ્ર કી જય!
- સીતા હરણ અને વનવાસનો સંઘર્ષ: કવિતાની શરૂઆત સોનાના મૃગ (હરણ) ના કપટથી થાય છે. રાવણ દ્વારા સીતાજીનું હરણ, જટાયુનો મોક્ષ અને પ્રભુ રામની સુગ્રીવ સાથેની મુલાકાત ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે.
- શબરીના બોર અને ભક્તિ: પ્રભુ રામ શબરીના આશ્રમે જઈને તેના એઠા બોર ખાય છે, જે દર્શાવે છે કે ભગવાન માત્ર સાચી ભક્તિના ભૂખ્યા છે, કોઈ જ્ઞાતિ કે ભેદભાવના નહીં.
- હનુમાનજીનું લંકાગમન: હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા જાય છે, વિભીષણને મળે છે અને અશોક વાટિકામાં માતા સીતાની શોધ કરીને આખી લંકાને સોનાની રાખમાં ફેરવી દે છે.
- મહા સંગ્રામ અને વિજય: રામ-રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. કુંભકર્ણ અને મેઘનાદનો વધ થાય છે. લક્ષ્મણજી મૂર્છિત થતાં હનુમાનજી સંજીવની બુટ્ટી લાવી તેમનો જીવ બચાવે છે અને અંતે અધર્મ પર ધર્મનો વિજય થાય છે.
- ઉત્તરકાંડ અને લવ-કુશનો જન્મ: અયોધ્યા આવ્યા પછી લોકાપવાદને કારણે રામ સીતાજીનો ત્યાગ કરે છે. વાલ્મિકી આશ્રમમાં લવ અને કુશનો જન્મ થાય છે, જેઓ પિતા રામના અશ્વમેધ યજ્ઞના ઘોડાને બાંધીને આખી સેનાને હરાવી દે છે.
- મિલન અને પૂર્ણાહુતિ: અંતમાં પિતા અને પુત્રોનું મિલન થાય છે અને માતા સીતા પોતાની પવિત્રતા સાબિત કરી પૃથ્વી માતાના ખોળામાં સમાઈ જાય છે. આ સાથે જ પ્રભુની પૃથ્વી પરની લીલા પૂર્ણ થાય છે

No comments:
Post a Comment